WELCOME


You are welcomed to the flow of thoughts...

શુક્રવાર, 29 મે, 2015

શિક્ષણમાં હકારાત્મક અભિગમ



હકારત્મતની અસરો :-

અધ્યયન પ્રત્યેનો અભિગમ વિધેયત્મક હોય તો અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા અસરકારક બને છે. હેલન-કેલરના શિક્ષક એની સુલેવાન તેઓને હકારાત્મક અભિગમથી શીખવતા હતા. સંપૂર્ણ અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા નીપજ હેલન-કેલરના વ્યક્તિત્વ-વિકાસ થકી આપણે સમજી શકીએ છીએ. હવે આપણે અધ્યયન-અધ્યાપન પ્રક્રિયાના મુખ્ય ઘટકો પર હકારાત્મક અભિગમની અસર વિશે વિચારીએ.
મુખ્ય ઘટકો :-
·            શિક્ષક
શિક્ષક ત્રણ અક્ષરોનો બનેલો છે. જેનું તાત્વીક દ્રષ્ટિએ વિશ્લેષણ કરીએ તો શિષ્ટાચાર, ક્ષમા અને કરુણામૂર્તિ એટ્લે શિક્ષક અંગ્રેજીમાં શિક્ષકને Teacher કહે છે. જેનું પણ તાત્વીક વિશ્લેષણ કરીએ તો
T – Tactfullness (વ્યવહરદક્ષ)
E – Expert ( વિષય નિષ્ણાત)
A – Appreciation ( કદર કરવી )
C – Character (ચારિત્ર્ય)
H – Humanity ( માનવતા )
E – Excellence ( વિદ્વતા )
R – Resourcefull ( સંસધનોયુક્ત )
ઉપર્યુક્ત ગુણો જેમાં હોય તેવું સર્જનાત્મક વ્યક્તિત્વ કે જે વિધાર્થીને વિકસીત થવા માટે પ્રેરિત કરે છે.
  આધુનિક યુગમાં શિક્ષકે facilitator ની ભુમિકા ભજવવાની છે. બાળકને શીખતો કરવાનો છે અને આ પ્રક્રિયામાં શિક્ષકનો હકારાત્મક અભિગમ ખૂબ જ ઉપયોગી પૂરવાર થાય છે. કોઈ પણ નવા એકમની પ્રસ્તુતિ પુર્વે એ એકમ પરત્વે વિધાર્થીના પુર્વજ્ઞાનને ક્રમબધ્ધ રીતે જોડી અધ્યયન માટે તૈયાર કરવામાં આવે તો તે હોંશે – હોંશે શીખે છે. જેમ કે બાળક શરૂઆતમાં અંગ્રેજી ભાષા પ્રત્યે ડર કે સુગ સેવે છે આ કારણોસર તે અંગ્રેજીથી દૂર રહે છે પરંતુ તેનામાં અંગ્રેજી પ્રત્યે હકારાત્મક અભિગમ કેળવવા માટે તેના રોજીંદા જીવનમાં અંગ્રેજીભાષાની જરૂરીયાતની તેને પ્રતિતિ થાય તો તે ભાષા શીખવા માટે તત્પર બની વર્ગમાં જઈને શિક્ષક બાળકોને પૂછે છે કે તેઓ ઘરમાં કઈ કંપનીના હેર – ઓઈલ, સાબુ, ટુથપેસ્ટ વગેરે વાપરે છે. તો બાળકો તરત જ જુદી – જુદી કંપનીના નામ આપે છે ત્યારબાદ શિક્ષક તેમને પુછે છે કે નજીકના શહેરમાં દુકાનોનાં બોર્ડ કઈ ભાષામાં હોય છે ? અને બાળકો જ્યારે શિક્ષકના લખાયેલા આ પ્રશ્નનો જવાબ હકારમાં કોઈ ઉદાહરણ દ્વારા આપે ત્યારે શિક્ષક જણાવે છે કે આ બધી જ કંપનીઓના નામ અંગ્રેજીમાં હોવા છતા તમે જવાબ આપી શક્યા તેનો અર્થ એ કે તમે અંગ્રેજી શીખી શકો છો. આ બાબત વિધાર્થીના મનમાં અંગ્રેજી શીખવાનો વિશ્વાસ જગાવશે અને તેને અંગ્રેજી પ્રત્યે અભિમુખ થવા માટે માનસિક રીતે તૈયાર કરશે. ત્યારબાદ શિક્ષક વિધાર્થીને વર્ગમાં રહેલ વસ્તુઓના નામ વાતચીત દરમ્યાન અથવા રોજીંદા વ્યવહાર દરમ્યાન અંગ્રેજીમાં બોલવા જણાવશે. આ રીતે ધીમે ધીમે બાળક સરળ શબ્દો શીખવા લાગશે જેનાથી બાળકના વિશ્વાસ અને ઉત્સાહમાં વ્રુધ્ધિ થશે અને એ સરળથી જટિલ શબ્દો શીખવા તરફ જશે.
·      પ્રવ્રુતિ :-
Ø  વિધાર્થીને પોતાનુ નામ અંગ્રેજીમાં લખવા કહો
Ø  નામના પ્રથમ અક્ષર સાથે અન્ય અક્ષર જોડી નવા શબ્દો બે મિનિટ માટે લખવા આપો લખેલ શબ્દો પૈકી પાંચ શબ્દો પસંદ કરી તેના ઉપયોગથી પરિચ્છેદ કે કાવ્ય લખવા જણાવો. વિધાર્થીએ કરેલ સ્વલેખનની અભિવ્યક્તિ કરવા જણાવો. વિધાર્થીનું આ સ્વયં સર્જન અંગ્રેજી ભાષા શિક્ષણમાં તેનો આત્મવિશ્વાસ વધારશે. પ્રવ્રુતિબાદના તમારા અનુભવો white paper માં નોંધો.
        શિક્ષકની હકારાત્મક વિચારસરણી બાળકની ભ્રામક માન્યતાને સરળતાથી બદલી શકે છે. એક વ્યક્તિઅભ્યાસનું અધ્યયન કરીએ.
                પુત્રલાલસામાં પાંચ પુત્રી બાદ જન્મેલી રાધા શિક્ષકનું ગ્રુહકાર્ય પણ કરી લાવતી ન હતી. શિક્ષક પુછે તો જવાબ ન આપે માત્ર એટલું જ કહે, “ હું તો સાવ નકામી છું” શિક્ષકે કુટુંબ ઈતિહાસ તપાસ્યો ત્યારે જાણવા મળ્યું કે પુત્ર ઈચ્છાને કારણે પાંચ – પુત્રીઓ બાદ પણ માતાએ જન્મ આપ્યો. કુટુંબમાં તેનો સહર્ષ સ્વીકાર ન થયો. ભાઈને સ્થાને આવેલી બહેનને સૌ કોઈ નકામી માનતા. રાધા પણ ધીમે – ધીમે પોતાને ‘નકામી’ માંનતી થઈ ગઈ. શિક્ષકની મુંઝવણ વધી. હવે શું કરવું ? હકારાત્મક વિચારસરણી ધરાવતા શિક્ષકે તેને વર્ગમાં અગ્રીમ હરોળમાં બેસાડી ડસ્ટરથી બોર્ડ સાફ કરવું, ચોક લગાવવો , હાજરી પત્રક મંગાવવું વગેરે કામ સહેતુક રાધાને સોપવામાં આવતા અને શિક્ષક કાર્યપુર્ણ થયા બાદ એક જ વાક્ય કહેતા, “ તું તો બહુ કામની દિકરી છે.”  આવું વારંવાર બનતા રાધાની પોતાની જાત વિશેની માન્યતા બદલાઈ અને તે અધ્યયન પ્રક્રિયામાં ઉત્સાહથી જોડાવા લાગી અને અવ્વલ્લ નંબરે આવી.
શિક્ષકના હકારાત્મક અભિગમને લીધે:-
Ø  શિક્ષકનું અધ્યયન વર્તુળ વિસ્તરે છે.
Ø  વર્ગખંડના પ્રશ્નોને વૈજ્ઞાનિક  ઢબે ઉકેલવાની સૂઝ વધે છે.

Ø  સહકર્મી તેમજ વિધાર્થીઓ સાથે તાદાત્મ્ય વધે છે.
Ø  અધ્યયન પ્રક્રિયા માટે એક ટીમ ઉભી થાય છે.
Ø  અધ્યયન પ્રક્રિયા રસપ્રદ , વૈવિધ્યપૂર્ણ અને અસરકારક બને છે.

   જિજ્ઞેશભાઈ શાળામાં ત્રણ જ મહિનાથી ભાષા શિક્ષક તરીકે હાજર થયા હતા. તેમના રોજીંદા ક્રમ મુજબ સવારે સાડા દસ વાગ્યે શાળામાં હાજર થતાં વેંત તેઓ ઓફિસમાં રજિસ્ટરમાં હાજરી માટે સહી કરવા ગયા. સહી કરતા હતા ત્યાં જ તેમના કાને અવાજ અથડાયો સાહેબ ઓ સાહેબ! જિજ્ઞેશભાઈ એ નજર ઉંચી કરી, સામે એકવડીયા શરીરવાળો સમશેર ઉભો હતો. આંખોમાં છલકતા આશાવાદ સાથે જિજ્ઞાષાપૂર્વક પુછ્યું, સાહેબ! મારે કડકડાટ હિન્દી બોલતાં શીખવું છે, મને શીખવશો ? મને આવડશે ? એક શ્વાસે બધાજ પ્રશ્નો તેનાથી પુછાઈ ગયા. જિજ્ઞેશભાઈ એ પુછ્યું ,” સમશેર અચાનક આજે કેમ આવું પુછ્યું બેટા ?
   સમશેરે જવાબ આપ્યો, સાહેબ ગઈ કાલે મે હિન્દી ફિલ્મ જોઈ હતી. તેમાં હિરો હિન્દી બોલતો હતો, તે હું સમજી શકું છું. પરંતુ , જ્યારે મારે હિન્દી બોલવું હોય ત્યારે હું કડકડાટ હિન્દી બોલી શકતો નથી. જિજ્ઞેશભાઈએ ખુરશી પરથી ઉભા થઈ સમશેરનાં ખભા પર હાથ મુકીને કહ્યું, સમશેર, તુ હિન્દી ફિલ્મની વાર્તા કહીશ મને ? સમશેર હિન્દી ફિલ્મની વાર્તા જિજ્ઞેશભાઈને કહી સંભળાવે છે. વાર્તા સાંભળ્યા બાદ જિજ્ઞેશભાઈ સમશેરને કહે છે કે તુ આખી ફિલ્મની વાર્તા સમજી શકે છે. તેનો મતલબ તને હિન્દી આવડે છે. અને તુ ચોક્કસપણે હિન્દી બોલી શકીશ. જિજ્ઞેશભાઈના મુખમાંથી બોલાયેલું છેલ્લું વાક્ય સમશેરના ચહેરાને ઉત્સાહિત કરી મુકે છે. તે દોડતો દોડતો વર્ગ સફાઈમાં લાગી જાય છે.
   વર્ગમાં હિન્દીના તાસ દરમિયાન જિજ્ઞેશભાઈ સમશેર તેમજ અન્ય વિધાર્થીઓ તરફ વ્યક્તિગત ધ્યાન આપે છે. અને તેમણે નિયમ બનાવ્યો છે કે હિન્દીના તાસ દરમિયાન વિધાર્થીઓ વર્ગમાં માત્ર હિન્દીમાં જ વાતચીત કરે. શરૂઆતમાં ખચકાટ અને શરમ અનુભવતાં વિધાર્થીઓને જિજ્ઞેશભાઈએ ભૂલ ભરેલુ ( જેવું આવડે તેવું ) એટલે કે તુટયુ ફુટ્યું પણ હિન્દી બોલવાની સ્વતંત્રતા આપી.
   એક મહિના પછી તેમના વર્ગમાં ...
Ø  વિધાર્થીઓ હિન્દીમાં વાતચીત કરતા થાય છે. 
Ø  હિન્દી ભાષામાં વાંચન ક્ષમતા સુધરે છે.
Ø  વાંચનમાં નબળા વિધાર્થીઓ હિન્દી બોલી શકે છે, ઉપરાંત તેઓ હિન્દી પાઠય પુસ્તકનું વાંચન કરવા પ્રેરાય છે.
Ø  વિધાર્થીઓનું હિન્દી શબ્દભંડોળનું જ્ઞાન વિસ્તરે છે. તેઓ વર્ગની જુદી જુદી વસ્તુઓને હિન્દી ભાષામાં ઓળખે છે.
Ø  હવે વિધાર્થીઓ પ્રાર્થના સભામાં હિન્દીમાં રજુઆત કરે છે.


·            વિધાર્થી :-
·        જેનો અર્થ વિધાને પામવાનો છે તે વિધાર્થી કહેવાય. આધુનિક શિક્ષક વિધાર્થી કેન્દ્રી બન્યુ છે. એનો ઈતિહાસ તપાસીએ તો માલુમ પડે છે કે પ્રાચીન કાળમાં શિક્ષણ ગુરૂ – કેન્દ્રીત હતું. ત્યારબાદ શિક્ષણનું સામાજીકરણ થયુ અને સમાજકેન્દ્રી શિક્ષણ થયું. આ તબક્કે સમાજની અપેક્ષાઓ કેન્દ્ર્સ્થાને હતી. હવે શિક્ષણ વિધાર્થી કેન્દ્રીત બન્યું છે. ત્યારે વૈયક્તિકતા (Individuality) પર વિશેષ ભાર મુકાઈ રહ્યો છે. બાળકની ભીતર રહેલી વિવિધ શક્તિઓના વિકાસ માટે શાળાએ કામ કરવાનું છે. તેમજ જુદા-જુદા વિધાર્થીઓમાં રહેલી ભિન્ન-ભિન્ન શક્તિઓને પણ વિકસાવવાનું કાર્ય શાળા – સમાજે કરવાનું છે. NCF – 2005 નો મુખ્ય સૂર એ છે કે “વિધાર્થીએ જ્ઞાનનો ઉપભોક્તા નથી પણ જ્ઞાનનો સર્જક છે.” વિધાર્થીમાં રહેલી સર્જક પ્રતિભાને ઓળખવાનું અને તેને વિકસાવવા માટે પ્રેરિત કરવાના કાર્યમાં શિક્ષક અને વિધાર્થીનો હકારાત્મક અભિગમ અત્યંત મહત્વનો છે. “ મનનો માળો “ – “ મોતી ચારો ભાગ – 1 “ વાર્તાનું નામ “ ટેડ “ વાંચો અને પ્રતીતી ક્રરો લેખક આઈ. કે. વીજળીવાળા, પ્રકાશક ઈમેજ પબ્લીકેશન , અમદાવાદ.
·        મહાભારતની ઐતિહાસિક કથાના આધુનિકરૂપ દ્વારા વિધાર્થીના હકારાત્મક અભિગમની નીપજ શું આવી શકે તે વાતને સમજીએ. ગુરૂ દ્રોણ શિષ્ય અર્જુન સાથે પરિભ્રમણ કરી રહ્યા છે. ત્યારે ભસતા કૂતરાને શબ્દવેધી બાણ દ્વારા કોઈ મૌન કરી દે છે. તીર ન દ્રોણે ચલાવ્યું ન અર્જુને તો પછી આ ધનુર્ધર છે કોણ ? કથા પ્રચલિત છે તે ધનુર્ધર બીજુ કોઈ નહિ. ભારતની શિક્ષણ વ્યવસ્થાનો પહેલો સ્વ – અધ્યેતા (External student)  એકલવ્ય હતો. ગુરૂ – દક્ષિણામાં ગુરૂ દ્રોણ તેના જમણા હાથનો અંગુઠો લઈ લે છે. થોડાક સમયબાદ પરિભ્રમણથી પાછા ફરતા ગુરૂ દ્રોણ અને અર્જુન પોતાની સમીપ આવતા દીપડાને જુએ છે. અચાનક તીરની એક દિવાલ રચાય છે. અને ગુરૂ – શિષ્યના જીવમાં જીવ આવે છે. સાથે આશ્ચર્ય પણ થાય છે. આપણે તો તીર ચલાવ્યુ નથી તો આ આખી દિવાલ રચી કોણે?
ત્યાં ભીલ કુમાર એકલવ્ય પ્રગટ થાય છે. ગુરૂ દ્રોણ તેના જમણા હાથ પર દ્રષ્ટિ કરે છે. ત્યાં અંગુઠો હજી પણ નથી તો પછી ? ગુરૂના વિચારને પામતા એકલવ્ય હસતા – હસતા કહે છે. આપે તો જમણા હાથનો અંગુઠો લીધો હતો ડાબા હાથે પણ તીર તો ચલાવી શકાય ને ? હકારાત્મક વિચારસરણી હોય તો વિધાર્થી માટે કશું હ અશક્ય નથી એ પ્રતિતિ મોરારી બાપુની ઉપરોક્ત કથા પરથી આપણને થાય છે.
પ્રવ્રુતિ :-
શિક્ષક મિત્રો તમારા વર્ગના વિધાર્થીઓના હકારાત્મક અભિગમને લીધે તમને થયેલા અનુભવો લખો અને તેની સાથી મિત્રો સાથે ચર્ચા કરો.
હકારાત્મક વિચારસરણી વિધાર્થીઓમાં
Ø  આત્મ વિશ્વાસ જન્માવે છે.
Ø  નવું શીખવા પ્રેરિત કરે છે.
Ø  કૌશલ્યો આધારિત શિક્ષણ મેળવવા તત્પર બનાવે છે.
Ø  સર્જક પ્રતિભાને વિકસાવે છે.
Ø  વિધાર્થી જ્ઞાનનું સર્જન કરતો થાય છે.
Ø  વિધાર્થીની સર્જનાત્મક ઉત્પાદકતા સમાજ અને રાષ્ટ્ર્ના વિકાસમાં ઉપયોગી થાય છે.
·         શીખવાની પ્રક્રિયા :-
·     શાલેય પરિવેશમાં શિક્ષક અને વિધાર્થી સાથે મળીને જોડાય છે. તે પ્રક્રિયા શીખવાની પ્રક્રિયા તરીકે ઓળખાય છે. કોઠારી કમિશનના મત અનુસાર “ શીખવાની પ્રક્રિયાએ શિક્ષક વિધાર્થી અને સામગ્રી વચ્ચે થતી એવી સહેતુક આંતરક્રિયા છે કે જેમાં વિધાર્થી હેતુપૂર્ણ અનુભવ દ્વારા કૌશલ્ય કેળવે છે. શિક્ષક વિધાર્થીઓ એ કૌશલ્ય કેળવ્યા કે નહિ તેનું મુલ્યાંકન કરી અનુકાર્ય હાથ ધરે છે. આમ શીખવાની પ્રક્રિયામાં શિક્ષણ, મુલ્યાંકન અને અનુકાર્ય એમ ત્રણેય બાબતોનો સમાવેશ થાય છે.
    આધુનિક શિક્ષણવિદો શીખવાની પ્રક્રિયાને નીચે પ્રમાણે વિશ્લેષિત કરે છે.
1.       વિષયપ્રવેશ
2.       અધ્યયન અનુભવોની રજુઆત
3.       અધ્યયન અનુભવોનું દઢીકરણ અને મહાવરો
4.       મૂલ્યાંકન
5.       સ્વ – અધ્યયન
શીખવાની પ્રક્રિયાએ અખંડ પ્રક્રિયા છે. તેનું કરવામાં આવેલ વિશ્લેષણ એ અધ્યયનની સરળતા માટે છે. પ્રક્રિયાના પ્રત્યેક તબક્કામાં સુઆયોજિત રીતે કાર્ય કરવામાં આવે તો અધ્યયન નીપજ ચોક્કસ મળે છે. શિક્ષક અને વિધાર્થીના હકારાત્મક અભિગમ આધારિત શીખવાની પ્રક્રિયા અસરકારક હોય જ છે. એમ પૂર્વે થયેલા સંશોધનો પુરવાર કરે છે. આપણે જોઈ ગયા છીએ કે દરેક વિધાર્થી સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે જ છે. તેમજ વિધાર્થીની આંતરિક શક્તિઓ વચ્ચે પણ ભિન્નતા જોવા મળે છે. આથી જ વિધાર્થીની ઓળખ એ શીખવાની પ્રક્રિયાની પૂર્વશરત છે.
·         આટલુ કરો :-
Ø  તમારા મતે વિધાર્થી એ શું છે ?
Ø  પ્રત્યેક વિધાર્થીમાં શીખવાની શક્તિ હોય છે. ?
Ø  પ્રત્યેક વિધાર્થીને એક શૈલીથી શીખવી શકાય ?

Ø  હકારાત્મક અભિગમના આધારે શીખવાની પ્રક્રિયાથી શિક્ષક – વિધાર્થી બંને વિકસે છે. આઠ વરસની સુધા સરસ મજાનું નૃત્ય કરતી હતી. કાર એક્સિડન્ટમાં એણે એનો એક પગ ગુમાવ્યો. હવે શું થાય? તેનું નૃત્યાંગના બનવાનું સ્વપ્ન રોળાયું. ગુરૂ મળ્યા. સાંત્વના આપી. લાકડાનો પગ મુકાવી કઠોર પરિશ્રમ કરી નૃત્યાંગના બનવાનું સ્વપ્ન સાકાર કર્યુ અને તેમના જીવન આધારિત ફિલ્મ બની ‘નાચે મયુરી ‘ ભાર્તીય નૃત્યજગતમાં તેઓ ‘ સુધા ચંદ્રન ‘ નામે જાણીતા છે.

    પક્ષેને ઉડતા હોઈ વિધાર્થીએ શિક્ષકને કહ્યું, “ આપણાથી ઉડી શકાય ખરૂં ? શિક્ષકે કહ્યું કેમ નહિ વૈજ્ઞાનિક શોધ કરો. વિધાર્થી ઉડવાની શોધમાં પરોવાયો તેને વિમાન બનાવ્યું. તેના વિમાનને જોઈને બીજા વિધાર્થીને વિચાર આવ્યો. આ વિમાન આકાશમાં તૂટી પડે તો શું થાય ? શિક્ષકે કહ્યું તારી વાત સાચી છે, ઉકેલ માટેની શોધખોળ કરો. વિધાર્થીએ પોતાનું ધ્યાન સમસ્યા ઉકેલમાં કેન્દ્રીત કર્ય અને તેણે પેરેશુટ બનાવ્યું.
    એક શિક્ષિકા વર્ગખંડમાં અદભૂત પ્રયોગ કર્યો. પ્રત્યેક વિધાર્થીને કાગળ આપી વર્ગના તમામ વિધાર્થીઓના નામ લકી તેના સદગુણોની નોંધ કરવા કહ્યું. સૌએ તમામ વિધાર્થીઓના સબળા પાસા લખ્યા. શિક્ષિકાએ તે કાગળો એકત્ર કરી પ્રત્યેક વિધાર્થીના વર્ગનાં મિત્રોએ આપેલ સદગુણોની યાદી કરી. તમામ વિધાર્થીઓને આપ્યા. આનું પરિણામ શું આવ્યુ ? તે જાણવા માટે આઈ. કે. વીજળીવાળા દ્વારા લિખીત “ મોતીચારો ભાગ - ! “ (શિક્ષિકાનો અદભુત પ્રયોગ વાંચો ) . તમને સ્વયં સ્પષ્ટ થશે કે હકારાત્મક વિચારસરણી શીખવાની પ્રક્રિયામાં કેટલો મહત્વનો રોલ ભજવે છે.
    મિત્રો, હકારાત્મક અભિગમ શિક્ષક – વિધાર્થી અને શીખવાની પ્રક્રિયામાં કેવી મહત્વની અસર જન્માવે છે. તે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. હવે નીચેના વિધાનો સાથે આપ સંમત છો કે અસંમત તે સકારણ ચર્ચો.
1.       શિક્ષકના હકારાત્મક અભિગમની વિધાર્થીઓના શિક્ષણ પર કોઈ અસર થતી નથી.
2.       શિક્ષકનું કામ વિષય શીખવવાનું છે. બાળકને સમજવાનું નહિં.
3.       શિક્ષકે એકમ શીખવતા પૂર્વે વિધાર્થીઓને શીખવા માટે તત્પર કરવા જરૂરી છે ?
4.       વિધાર્થી – વિધાર્થી વચ્ચેની આંતરક્રિયા શિક્ષણ દરમિયાન થાય તે જરૂરી છે.
5.       શિક્ષકનું કાર્ય વિધાર્થીને શીખતા કરવાનું છે.
6.       શિક્ષક નિષ્ઠાપૂર્વક શીખવે તો બધા વિધાર્થીઓ શીખી જાય.
7.       હકારાત્મક અભિગમ અને અધ્યયન નીપજ વચ્ચે કોઈ જ સંબંધ નથી.
8.       હકારાત્મક અભિગમ આધારિત અધ્યયન – અધ્યાપન પ્રક્રિયા અસરકારક બને છે.
9.       શીખવાની પ્રક્રિયામાં વિધાર્થીના નકારાત્મક વિચારો પણ ઉપયોગી પરિણામ લાવે છે.
10.   હકારાત્મક અભિગમ એ શિક્ષક અને વિધાર્થીને શીખવા માટે તત્પર બનાવે છે.
10.

મુદ્દો 4 – હકારાત્મક વલણની જરૂરિયતો
    હકારાત્મક વલણ એ કોઈ પણ વ્યક્તિ વસ્તુ કે સમૂહ પ્રત્યે હકારાત્મક રીતે વર્તવાની માનસિક માનસિક તત્પરતાની સ્થિતિ છે. ઉન્નત અને બએઅતર જીવન શૈલી એધરાવતા સમાજ અને રાસ્ટ્ર્ની સંરચનાની પ્રક્રિયામાં હકારાત્મક અભિગમ એ ખૂબ જ મહત્વનો છે. સાચુ જ કહેવાય છે. કે વિચારોમાં હોય તેવું જ વૃંદાવનમાં રચી શકાય છે. જોન મિલર પણ કહે છે કે “The way we think determines how we live” શ્રીમદ્દ ભગવદ ગીતામાં પણ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે તુ જ મારી કર્મભૂમિનો વિધાતા છે. તો હમણાં હમણાં શિક્ષણ જગતમાં ગવાતા “મનુષ્ય તુ બડા મહાન હે “ ગીતના શબ્દોનું વિશ્લેષણ કરી મર્મને સમજશો તો જીવન પ્રત્યેનો અભિગમ વધારે હકારાત્મક બનશે. તત્વ ચિંતકો પણ કહે છે કે આપઘાત કરવાનો વિચાર આવે ત્યારે હોસ્પીટલની મુલાકાત અવશ્ય લેવી જેથી આપણને પ્રતીતી થશે કે “ દુનિયામે કિતના ગમ હે, મેરા ગમ કિતના કમ હે. “
    હકારાત્મક વલણ (અભિગમ) એ શિક્ષણમાં સર્જનાત્મક્તાનો સ્ત્રોત છે. N.C.F. 2005  માં વિધાર્થીને જ્ઞાનનો સર્જક દર્શાવવામાં આવ્યો છે. આથી, વિધાર્થી પોતે પોતાની શક્તિઓને હકારાત્મક રીતે ઓળખી વિકસાવે તે જરૂરી છે. વિધાર્થીને વિકાસની તકો આપવામાં પણ શિક્ષકનો હકારાત્મક અભિગમ ઘણો જ મહત્વનો છે. શાળા કક્ષાએ પ્રાર્થનાથી શરૂઆત પણ હકારાત્મક રીતે થાય તે જરૂરી છે. પ્રાર્થનામાં ગવાતા ભજનો “ જો જે રે તારી જિંદગી જવાની “ એ ટાળવું જોઈએ. તેન સ્થાને બાળ ભોગ્ય અને જીવન પોષક વિચારસરણી જન્માવે તેવા ગીતો અને ભજનોની પ્રાર્થનામાં સ્થાન આપવું જોઈએ. આચાર્ય , શિક્ષક અને વિધાર્થી એ ત્રણેય શાળાના મુખ્ય સજીવ અંગો છે. અને ત્યાં પણ હકારાત્મક વિચારસરણી અત્યંત મહત્વની છે.
    પ્રાથમિક શાળામાં આચાર્યશ્રી , શિક્ષકશ્રીઓ વચ્ચે હકારાત્મક વલણ ફળદાયી પરિણામ આપે છે. શાળાની ફળદાયી સિધ્ધિ પાછળ હકારાત્મક વલણ પ્રત્યક્ષ યા પરોક્ષ રૂપે અસરકારક ભાગ ભજવે છે. શિક્ષકનું મુખ્ય કાર્ય હકારાત્મક વલણ ઘડવાનું છે. હકારાત્મક વલણ શિક્ષણ પ્રક્રિયાઓને વધારે તંદુરસ્ત અને ગતિશીલ બનાવે છે. વિધાર્થીના વલણ – પરિવર્તન માટે શિક્ષણની પ્રેરણા અસરકારક માધ્યમ બની જાય છે.
Ø  વિધાર્થીની ભ્રામક માન્યતાઓનું પરિવર્તન કરી શકાય છે. શિક્ષક પોતાના હકારાત્મક વલણ દ્વારા વિધાર્થીની વિચારધારાને બદલી શકે છે.
Ø  વિધાર્થીના વલણ પરિવર્તન માટે કે સારા વ્યક્તિત્વના નિર્માણ માટે શિક્ષકની ભૂમિકા મહત્વની બની જાય છે.
Ø  શિક્ષક પોતાના વર્ગખંડમાં સારી – નરસી બાબતોનું વિશ્લેષણ રજુ કરી વિધાર્થીઓમાં વલણ પરિવર્તન લાવી શકે છે.
Ø  અત્રે એ બાબત નોંધનીય છે. કે જો શિક્ષક પોતે હકારાત્મક વિચારસરણી ધરાવતો હશે તો જ વિધાર્થીમાં હકારાત્મક વલણના બીજ વાવી શકશે.
Ø  વિધાર્થીને મન પોતાનો શિક્ષક આરાધ્ય મૂર્તિ છે. આથી શિક્ષક જો પોતે હકારાત્મક હશે, તો વિધાર્થીમાં આપો આપ હકારાત્મક વલણ આત્મસાત કરશે.
·         લાગણીઓ એટ્લે ગતિમાન (માનસિક) શક્તિઓ
    વલણનું ઘડતર વ્યક્તિગત અનુભવ તેમજ વ્યક્તિત્વ અને સામાન્ય સ્વભાવ વડે થાય છે. તેમ છતાં વ્યક્તિના વલણોને ઘડવામાં અધ્યયનની ભૂમિકા પણ નોંધપાત્ર છે.
    સંશોધનો અને અભ્યાસો પરથી એવુ પણ પુરવાર થયું છે કે વલણો વર્તનને અસર કરે છે. પરંતુ વર્તનો હંમેશા વલણ સાથે સાતત્ય ધરાવતા નથી. માટે વલણ અને વર્તન વચ્ચે સાતત્ય જળવાય અને વલણ વર્તન પર અસર કરવાની શક્યતા સૌથી વધુ છે. તેમાં પણ અનુભવ આધારિત વલણોની તુલનામાં પરોક્ષ અનુભવ પર આધારિત વલણૉની વર્તન પર અસર ઓછી હોય છે.
    લિયોન ફેસ્ટિન્જરે આપેલ જ્ઞાનાત્મક વિસંવાદિતા સિધ્ધાંત એ સાતત્ય સિધ્ધાંતો પૈકીનો ખૂબ પ્રચલિત સિધ્ધાંત છે. તેમનાં માનવા મુજબ લોકો વલણ અને વર્તન વચ્ચે સાતત્યને મહત્વ આપે છે. આથી તેઓ તણાવ અને વિસંગતતાને ટાળવા પ્રયત્ન કરે છે. વ્યક્તિ જે ન કરવા ઇચ્છતી હોય તે કરવું પડે એ એક પ્રકારની વિસંગતતા છે. વ્યક્તિ આવી પરિસ્થિતિ દ્વારા ઉભી થતી લાગણીને ટાળવા ઈચ્છે છે. અને સાતત્ય જાળવવા ઈચ્છે છે.
Ø  E – motion is ENERGY in MOTION
        એટલે લાગણીઓ ગતિમાન (માનસિક) શક્તિઓ છે. તેથી જો તે હકારાત્મક હશે તો (વ્યક્તિ – બાળક – શિક્ષક) હકારાત્મક રીતે ગતિમાન થશે.
Ø  હકારાત્મક (સકારાત્મક ) વલણથી હકારાત્મક (સકારાત્મક) શક્તિઓ ઉત્પન્ન થાય છે.
Ø  હકારાત્મક શક્તિઓમાંથી સકારાત્મક પરિણામો મળે છે.
Ø  હકારાત્મક શક્તિ આપણને અત્યંત નકારાત્મક પરિસ્થિતિને પણ ખૂબજ અસરકારક રીતે પહોંચી વળવામાં મદદરૂપ થાય છે.
Ø  ધ્યેય, નિર્ધાર, આત્મવિશ્વાસ, ઈશવિશ્વાસ અને હકારાત્મક માનસિક અભિગમ એ સફળ જીવનશૈલીનું માધ્યમ છે.
Ø  ઘટના à મૂલ્યાંકન પ્રતિક્રિયા/પ્રતિભાવ à પરિણામ
Ø  ઉચ્ચ/હકારાત્મક વલણથી જ જીવનમાં ઉંચાઈઓ સર કરી શકાય છે.માટે જીવનના કપરામાં કપરા સંજોગોમાં પણ જો આપણું વલણ હકારાત્મક/સકારાત્મક હોય તો તેની શક્તિથી આપણે સમય પાર પાડી શકીએ છીએ.
Ø

P – Prepare – તૈયાર થાઓ
O – Optimist – આશાવાદી
S – Spirit – જુસ્સો ટકવો
I – Inspire – પ્રેરણાદાયી બનો
T – Tactful – કાર્ય કુશળ થાઓ
I – Imagine – વિચારતા થાઓ
V – Value – મૂલ્યદાયી
E – Efficient  - કુશળ

આમ પોતાના વ્યક્તિત્વનાં પાસાઓને better to best કરવા સંજોગોમાં વિસંવાદિતાની લાગણી દૂર અને વર્તન સાથે સાતત્ય જાળવવા એમ વ્યક્તિત્વ દરેક સમયે સમતોલિત વ્યક્તિત્વ બનાવી રાખવા હકારાત્મક વલણોની શું વિધાર્થી – શિક્ષક – શિક્ષક પ્રશિક્ષક દરેકને જરૂરિયાત લાગતી નથી શું?
·         સંદર્ભ સૂચિ
1.       સાચો વિચાર સર્જે ચમત્કાર ( લેખક – સ્વેટ માર્ડન) રોયલ બુક કંપની, રાજકોટ
2.       સફળતા તમારા હાથમાં (લેખક – સ્વેટ માર્ડન) રોયલ બુક કંપની, રાજકોટ
3.       આગળ વધો સીમા પાર (લેખક – સ્વેટ માર્ડન) રોયલ બુક કંપની, રાજકોટ
4.       શિક્ષણનું મનોવિજ્ઞાન – નનુભાઈ દોંગા – નીરવ પ્રકાશન, અમદાવાદ
5.       શિક્ષણ વિચાર – હરભાઈ ત્રિવેદી – ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય

6.       મુખ્ય શિક્ષક તાલીમ મોડ્યુલ – સ્પીપા – વર્ષ – 2012-13
                                                    
                                                                                                            સાભાર......
                                                                                                                         -શ્રી ડો. રાજેશ મુલવાણી
                                                                                                                                     પ્રાચાર્યશ્રી
                                                                                                                                ડાયેટ અમરેલી
                                                                                                                    ઘટના સંદર્ભ: ચૈતન્ય ત્રિવેદી